
લુપ્ત થતો જાઉં છું, અલિપ્ત બનતો જાઉં છું.
હું મારામાંથી જ રોજ રિક્ત બનતો જાઉં છું.
કડવાશ ભલેને સારી પણ સૌને નથી પ્યારી,
એટલે જ લોકો માટે હું મિષ્ટ બનતો જાઉં છું.
ક્યાંક હું સમજી કે સમજાવી નથી શકતો સઘળું,
લોકનજરમાં એટલે જ કનિષ્ઠ બનતો જાઉં છું.
ટીકાઓએ એટલી તો સકારાત્મકતા બખ્શી મને,
રોજ-બ-રોજ હું થોડો બલિષ્ઠ બનતો જાઉં છું.
અજવાસ તો સૂર્યનો પણ ક્યાં કાયમી રહ્યો છે,
હું મેઘવાદળો સમ ક્યારેક કલિષ્ટ બનતો જાઉં છું.
કરી'તી એમ તો ચાહ સૌનું ઈષ્ટ થાય, 'ચિરાગ',
કોને ખબર તોય કેમ હું અનિષ્ટ બનતો જાઉં છું!
No comments:
Post a Comment